ઈન્ડિયા

રાજકોટના ગૌરવપૂર્ણ ઇતિહાસને જાણો એમના સ્થાપનાકાળથી

રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક તા. 30મી જાન્યુઆરી 2020એ થવા જઈ રહ્યું છે ત્યારે રણજિત વિલાસ પેલેસ ખાતે આ ભવ્ય સમારોહની તડામાર તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. રાજકોટના ઇતિહાસમાં એક અનોખો અને અભૂતપૂર્વ સમારોહ શરૂ થઈ ચૂક્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં નજીકના ભૂતકાળમાં આવો કોઈ રાજતિલક સમારંભ યોજાયો નથી. રાજકોટના લોકો સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા, એમના કુંવર ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અને કુંવર યુવરાજ જયદિપસિંહને તો ઓળખે જ છે, પરંતુ રાજકોટના અગાઉના રાજાઓ પણ પ્રતાપી, શૌર્યવાન, પ્રજાવત્સલ અને પરગજુ હતા તેથી લોકોમાં તેઓ પ્રાતઃસ્મરણીય પણ હતા. રાજકોટના આંગણે જ્યારે રાજપરિવારનો આવો મહત્વનો ઉત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે આવો જાણીએ રાજકોટ રાજ્યનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ઇતિહાસ.

રાજકોટ શહેરનાં ઇતિહાસની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. ત્યારબાદ માસુમખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ ફરી એકવાર આ શહેરનું નામ બદલીને મુળ નામ રાજકોટ રાખ્યું. આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ શહેર બીજા નામથી ઓળખાતું રહ્યુ હતું.

ત્યારબાદ મહેરામણજી બીજા ગાદીએ બેઠા. ઇસ 1720માં માસુમખાન સામેના યુધ્ધમાં ઠાકોર સાહેબ શ્રી મહેરામણજી બીજા યુધ્ધમાં વિરગતિ પામ્યા. આજી નદીને સામે કાંઠે સોળથંભી કહેવાય છે ત્યાં ખાંભી છે. માસૂમખાને રાજકોટનો કોટ બંધાવી ખાઇ ખોદાવી રાજકોટનું નામ માસૂમાબાદ રાખ્યું હતું. રાજકોટની ફરતે કિલ્લો બંધાવ્યો. તે કિલ્લાને આઠ દરવાજા હતા.નવા નાકા, કોઠારિયા નાકા, રૈયા નાકા વગેરે તરીકે હાલના સમયે પણ તે ઓળખાય છે. 1720થી 1732 એમ 12 વર્ષ માસૂમખાને રાજકોટ-માસૂમાબાદ પર રાજ કર્યું. જેમને હરાવીને-મારીને એણે સત્તા લીધી હતી એ મહેરામણજીને સાત પૂત્રો હતા.

1746માં રણમલજીના પુત્ર લાખાજી (પહેલા) રાજવી બન્યા પરંતુ એ ધાર્મિક વૃત્તિના હોવાથી પોતાની હયાતીમાં જ એમણે વહીવટ પુત્ર મહેરામણજી ત્રીજાને સોંપી દીધો. એ વિદ્વાન અને કવિ જીવ હતા. “પ્રવીણ સાગર” નામના વ્રજભાષી મહાકાવ્યની રચના એમણે કરી હતી. વ્રજભાષામાં લખાયેલો આ ગ્રંથ સાહિત્યક્ષેત્રે ખૂબ કિર્તી પામ્યો છે. એ પછી રાજકોટના રાજા તરીકે રણમલજી બીજા ઇસ 1794માં બિરાજ્યા. જેમણે રાજગાદી સરધારથી બદલીને રાજકોટમાં સ્થાપી. એમના અવસાન પછી એમના કુંવર સુરાજી રાજકોટના રાજા બન્યા હતા. એ દરમિયાન રાજકોટમાં બ્રિટીશ શાસનની એજન્સી સ્થપાઇ ચુકી હતી.

સુરાજી પછી એમના પુત્ર મહેરામણજી ચોથા સત્તામાં આવ્યા હતા. રાજકોટની સ્થાપના પછી બારમાં ક્રમે આવેલા બાવાજીરાજ બાપુના સમયમાં રાજકોટના આધુનિકરણની શરુઆત થઇ હતી. તેઓ રાજકુમાર કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી બાવાજીરાજના સમયમાં રાજકોટ રાજ્યના દીવાન હતા. રાજકોટમાં હજુર કોર્ટની સ્થાપના બાવાજીરાજના સમયમાં થઇ. 1869માં રાજકોટમાં સુધરાઇનો કાયદો લોકશાસનની પધ્ધતિએ પસાર કરાવ્યો હતો. 1877માં દુષ્કાળ પડ્યો ત્યારે લોકોને રોજગારી આપવા માટે રાજકોટમાં રણજિત વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આજે પણ આ પેલેસ રાજપરિવારનું નિવાસ સ્થાન છે.

રાજકોટમાં પહેલા જાડેજા વંશનું રાજ હતું અને રાજ્યની રાજધાની સરધાર હતી. ઇ.સ. ૧૮૨૦માં બ્રિટિશ એજન્સીને કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર)ની પોલિટિકલ એજેન્સીનું વડું મથક રાજકોટમાં સ્થાપ્યું. માટે ઇ.સ. ૧૮૨૦થી ૧૯૪૭ના ૧૨૭ વર્ષ સુધી સૌરાષ્ટ્રની રાજકિય પ્રવૃતિઓનું કેન્દ્ર રહ્યું. સૌરાષ્ટ્રમાં ૨૨૨ રજવાડાઓ હતા, માટે પશ્ચિમ ભારતની રાજનિતિ અને આર્થિક પ્રવૃતિઓનું કેન્દ્ર રાજકોટ જ રહ્યું હતું.

રાજકોટનો ઇતિહાસ પણ દેશના અન્ય રજવાડાં જેવો રોચક છે. અહીં શૌર્ય અને સાહિત્ય બન્નેનો સમન્વય જોવા મળ્યો છે. દાયકાઓથી રાજવી પરિવાર પ્રજાના સુખ દુ:ખમાં એની પડખે રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલાં 222 રજવાડાં હતાં. 1820માં બ્રિટિશ એજન્સીની સ્થાપના સૌરાષ્ટ્રમાં થઇ પછી રજવાડાંના કદ મુજબ 9થી 15 તોપની સલામીમાં વિભાજિત કર્યાં જેમાં રાજકોટનો પણ સમાવેશ થતો હતો. રાજ્યનું ક્ષેત્રફળ 730 ચોરસ કિમી હતું અને એમાં 64 ગામો હતાં.

પહેલાં રાજકોટ રાજ્યની રાજધાની ચીભડા અને પછી સરધાર ગામે હતી.ઇ.સ.1635માં જામ વિભાજીનું અવસાન થતાં તેમના પુત્ર મહેરામણજી પહેલા સરધારની ગાદીએ બિરાજમાન થયા. 1656માં મહેરામણજીના અવસાન પછી એમના બન્ને પુત્રો ઠાકોર સાહેબ શ્રી સાહેબજી અને નાનાભાઇ કુંભોજી પહેલાએ ગોંડલની સ્થાપના કરી હતી. સાહેબજીના સરધારના રાજ્યકાળ દરમિયાન શ્રીસ્વામી નારાયણ ભગવાને સરધાર દરબારગઢમાં ચાતુર્માસ કર્યો અને લીમડાના વૃક્ષ નીચે બેસી ગામના લોકો સાથે સત્સંગ કરી જળચરને આશીર્વાદ આપ્યા. સાહેબજીના અવસાન પછી બામણિયોજી 1675માં સરધાર એટલે કે રાજકોટ રાજ્યની ગાદીએ બેઠા. કાળીપાટ ગામમાં રાજકોટ રાજ્યની પવિત્ર ગાયો મિયાણાંઓએ વાળતાં તે પવિત્ર ગાયોના રક્ષણ માટે નકલંગ વીડ પાસે મિયાણાઓ સામે ધમાસાણ યુધ્ધમાં તેઓ વીરગતિ પામ્યા અને શુરાપુરા બન્યા. આજે પણ રાજપરિવાર અને વિભાણી જાડેજા રાજપૂતો દર વર્ષે કાળી ચૌદસના દિવસે બેડી પાસે રણદેરીની પૂજા અર્ચન કરવા જાય છે.

રાજકોટમાં રાંદરડા તળાવનું નિર્માણ, પરા બજારનું બાંધકામ, જુગાર અટકાવવાનો કાયદો,પશુ-પક્ષીના શિકારનો કાયદો વગેરે બાવાજીરાજ બાપુના સમયમાં થયેલાં નોંધપાત્ર કામ છે. 1883થી 85 વચ્ચે રાજકોટમાં હોસ્પીટલ પણ બનાવાઇ હતી. બાવાજીરાજ બાપુ પછી 1890 થી 1930 સુધી લાખાજીરાજ રાજકોટના રાજવી રહ્યા અને પ્રજાએ એમને પ્રજાવત્સલ રાજવી તરીકે નવાજ્યા. રાજકુમાર કોલેજમાં ભણ્યા ઉપરાંત એ દહેરાદુન જઇને ઇમ્પિરીયલ કેડેટ કોપ્ર્સમાં લશ્કરી તાલીમ લઇ આવ્યા હતા. રાજાશાહીમાં પણ લોકશાહીના મૂલ્યો જાળવનાર રાજવી તરીકે તેઓ પ્રખ્યાત હતા

1921માં ગાંધીજીને એમણે રાષ્ટ્રીય શાળા બનાવવા માટે જગ્યા આપી અને એમની ઉપસ્થિતિમાં જ એનું ઉદઘાટન પણ થયું. 1924માં રવીન્દ્રનાથ ટાગોર રાજકોટ આવ્યા ત્યારે પણ પ્રજા વતી એનું સન્માન કર્યું હતું અને 1925માં ગાંધીજીને દરબાર ગઢ ખાતે જાહેર સમારોહમાં સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન આપીને એમનું સન્માન કર્યું હતું. એમના સમયમાં જ રાજકોટમાં કોલેજ શરુ કરવાની પણ તૈયારી શરુ થઇ હતી. છપ્પનીયા દુષ્કાળ વખતે એમણે ઠેર ઠેર કેટલ કેમ્પ શરુ કરાવ્યા હતા. રાજ્યમાં ગ્રામ પંચાયત અને ગ્રામ સ્વરાજ એમના સમયમાં શરુ થયા. લંડન અને મુંબઇની બર્ગમેન એન્ડ હોફમેન કંપનીએ રાજકોટમાં ઓઇલમિલ સ્થાપવાની ઇચ્છા પણ એમના સમયમાં દર્શાવી હતી. જો કે વુલન અને કાપડમીલ એમણે પોતે શરુ કરાવી હતી. વીજળીઘરની યોજના પણ લાવ્યા હતા.

પોતાના દીવાન હરજીવન કોટકને લાખાજીરાજ બાપુએ કહ્યું હતું કે ફક્ત રાજ્યની તિજોરીમાં નાણાં એકઠા કરવાનો જ મને મોહ નથી.લોકોમાં વાહવાહ કહેવરાવવાની પણ મને ઇચ્છા નથી અને અંગત મોજ શોખ મારે પોષવો નથી. પરંતુ મારી પ્રજા સુખી અને ઉન્નત થાય એ જ એક અંતિમ ઇચ્છા છે. શિક્ષકોનું સંમેલન એમના સમયમાં મળ્યું ત્યારે કેમેસ્ટ્રી અનેબએન્જિનીયરીંગ જેવા વિષયના પુસ્તકોનો ગુજરાતી અનુવાદ એમણે કરાવવા અનુરોધ કર્યો હતો. છોકરા અને છોકરીઓ માટે એમણે સ્કાઉટ-ગાઇડની પ્રવૃત્તિ પણ શરુ કરી હતી.

રાજકોટમાં પ્લેગ ફેલાયો ત્યારે ઘરે ઘરે જઇને એમણે લોકોના ખબર અંતર પૂછ્યા હતા. લાખાજીરાજ પછી ધર્મેન્દ્રસિંહ રાજકોટના રાજા બન્યા હતા. “ધર્મેન્દ્રસિંહજી આર્ટસ એન્ડ લો કોલેજ”ની સ્થાપના એમના સમયમાં જ થઇ હતી. લાખાજીરાજ પુસ્તકાલયની શરુઆત એમના સમયમાં થઇ અને એમની પ્રતિમા પણ મુકાવી. રાજકોટમાં કાપડ માર્કેટ પણ ધર્મેન્દ્રસિંહજીના સમયમાં સ્થપાઇ. રાજકોટ રોલ્સરોય 1934, અને સિલ્વર ચેરિએટ 1934 બન્ને એમણે પોતાની આગવી સૂઝથી બનાવરાવી હતી જેને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી. ધર્મેન્દ્રસિંહને કોઇ સંતાન ન હોવાથી એમના અવસાન પછી એમના ભાઇ પ્રદ્યુમ્નસિંહ ગાદીએ આવ્યા જે રાજાશાહી સમયના છેલ્લા રાજા હતા. આઝાદી વખતે એમણે સરદાર વલ્લભભાઇ પટેલને રાજ્ય સોંપ્યું હતુ. પ્રદ્મુમ્નસિંહજીએ રાજકોટને પ્રદ્યુમ્ન પાર્ક જેવા સુંદર સ્થળની ભેટ આપી હતી. રાજકોટ જેમને દાદાના નામે ઓળખે છે એ મનોહરસિંહજી જાડેજા પ્રદ્યુમ્નસિંહજીના જ પુત્ર. એમણે લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી ચૂંટાઇ, લોકોની સતત સેવા કરી. બેસ્ટ પાર્લામેન્ટરીયન તરીકે એ ઓળખાયા. વિધાનસભામાં બોલે, કોઇ પ્રશ્ર્ન ઉઠાવે તો એમ જ લાગે કે જાણે સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગરમાં ગૂંજી રહ્યો છે. એ ગરીબોના પ્રતિનિધી હતા. રાજકોટના-સૌરાષ્ટ્રના પ્રશ્નો માટે લડ્યા. એમના મતવિસ્તારના ન હોય એવા લોકો પણ એમને રજૂઆત કરતા. દાદા પાસે કોઇ હોદ્દો ન હોય તો પણ એમનું સન્માન સમાજમાં છેવટ સુધી રહ્યું અને આજે પણ અકબંધ છે.

હાલમાં એમના કુંવર માંધાતાસિંહજી જાડેજા પણ લોકોની વચ્ચે રહીને એ પરંપરા નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમમાં ડાયરેકટર તરીકે તેમણે જવાબદારી નિભાવી, તો ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીમાં પણ સમાવેશ થયો. પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓને લીધે તેઓ ગ્રીન એમ્બેસેડર પણ બન્યા. જૂનાં સ્થાપત્ય અને શિલ્પકળામાં એમનો રસ જાણીતો છે. પુરાતન સ્થાપત્ય અને વારસાની જાળવણી માટે તેઓ સતત જાગૃત છે.

આઝાદી પછી ૧૯૪૮માં સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઇ. ૧૯૫૬ સુધી રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની રહી. રાષ્ટ્રવાદી પ્રવૃતિઓ અને સમાજ સુધારણા માટે થયેલ દરેક પ્રયત્નોમાં ભારતની મહાન હસ્તિઓ જેવી કે, ગાંધીજી, સરદાર પટેલ અને ઠક્કર બાપા સહિતનાઓ રાજકોટને આગવું મહત્વ આપીને કાર્ય કર્યું. મહાત્મા ગાંધીજીનો અભ્યાસ રાજકોટની પ્રખ્યાત આલ્ફ્રેડ હાઇસ્કુલમાં થયેલો. હાલની રાષ્ટ્રીય શાળામાં તેઓએ આંદોલન પણ કરેલ. આજે મહાત્મા ગાંધીની યાદમાં આલ્ફ્રેડ હાઇસ્કુલને મ્યુઝિયમમાં બદલવામાં આવ્યું છે.

★રાજકોટ શહેરની સ્થાપનાથી લઈને અત્યાર સુધી ક્યારે ક્યારે કોનું શાસન રહ્યું?★

1694 – 1720 મહેરામમજી બીજા બામાનિયાજી
1720 – 1732 માસુમખાન શુઘાવત-મોગલ બાદશાહ
1732 – 1746 રણમલજી પહેલા મેહરામમજી
1746 – 17 .. લાખાજી પહેલા રણમલજી
1717 – 1794 મહેરામમજી ત્રીજા
1794 – 1795 લાખાજી પહેલા રણમલજી
1795 – 1825 રણમલજી બીજા મહેરામમજી
1825 – 1844 સૂરજજી રણમલજી
1844 – 8 નવેમ્બર 1862 મહેરામમજી ચોથા સૂરજજી
8 નવેમ્બર 1862 – 16 એપ્રિલ 1890 બાવાજીરાજ મેહરમસિંહજી
1862 – 1867 ઠાકુરાણી બાઇ શ્રી નાનીબા કુંવરબા
1867 – 17 જાન્યુઆરી 1876 જે.એચ. લોઈડ-રીજન્ટ
16 એપ્રિલ 1890 – 2 ફેબ્રુઆરી 1930 લાખાજીરાજ ત્રીજા બાવાજીરાજ
3 જૂન 1918થી સર લખાજીરાજ ત્રીજા બાવાજીરાજ
16 એપ્રિલ 1890 – 21 ઓક્ટોબર 1907 -રેજન્ટ
2 ફેબ્રુ 1930 – 11 જૂન 1940 ધર્મેન્દ્રસિંહજી લાખાજી
11 જૂન 1940 – 15 Augગસ્ટ 1947 પ્રદ્યુમનસિંહજી

રાજકોટમાં કુલ 10 તાલુકાઓ, 856 ગામડાઓ અને 07 નગરપાલિકાઓ છે.
વસતી આશરે 39 લાખ જેટલી છે.
રાજકોટનો સાક્ષરતા દર ૮૮.૨ % છે.
હાલ રાજકોટમાં મરાઠી, પંજાબી, તેલુગુ, તામીલ, બંગાળી, મારવાડી અને હિંદી ભાષા બોલનારાઓની સંખ્યા ધ્યાનાકર્ષક છે. સ્થાપત્ય કલામાં રાજકોટ પરંપરાગત અને આધુનિકતાનો સમન્વય ધરાવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.